ગુજરાતના અને અમદાવાદના જે પ્રમાણે કોરોનાના આંકડા સામે આવ્યા તેને લઈને AMC તંત્ર એ રાતોરાત અનેક સેવાઓ બંધ કરવી પડી.. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે કેસની સંખ્યા અમદાવાદમાં 270ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે…
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને એમાં પણ કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે તંત્ર એક પછી એક આકરા નિર્ણય લઇ રહ્યું છે. એએમસી દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી બીઆરટીએસ બસ સેવાને બંધ કરી દેવામાં આવી છે. સવારથી દરેક બીઆરટીએસ પ્લેટફોર્મ બંધ કરી દેવામાં આવ્યા છે.
એક બાજુ આજથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે હવે પરીક્ષાર્થીઓને પરિવહનમાં હાલાકી પડી શકે છે. તો આગામી 19 માર્ચથી ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પણ શરૂ થઇ રહ્યા છે ત્યારે અચાનક આ રીતે AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા તંત્રના અણઘડ વહીવટની પોલ ખુલી હતી અનેક લોકોને આ નિર્ણયની જાણ પણ નથી તે લોકો પણ હેરાન થઇ રહયા છે આમ અચાનક બસ સેવા બંધ કરી દેવામાં આવતા શહેરીજનો મુશ્કેલીમા મુકાયા છે.