અમદાવાદના પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને તેના પરિવાર સામે પુત્રવધૂ ફિઝુએ નોંધાવેલી ઘરેલુ હિંસાની ફરિયાદ બાદ હવે વધુ એક જમીન કૌભાંડની ફરિયાદ રમણ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ત્રણેય ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ સામે ગુંડાધારા હેઠળ પણ કાર્યવાહી કરાશે.
મુંબઈના રહેવાસી ચંચળબહેન ઉર્ફે સુશિલાબહેન બ્રહ્મભટ્ટ(82)ના પિતાના અવસાન બાદ રમણ પટેલે ચંચળબહેન તેમની બે બહેન અને માતાના ખોટા પાવર ઊભા કરીને સિંધુ ભવન રોડ પરની કરોડોની જમીન પચાવી પાડી હતી. હવે જો વધુ એક ફરિયાદ નોંધાશે તો તમામ સામે ગુંડાધારો લાગુ થશે. પોપ્યુલર ગૃપના બિલ્ડર રમણ પટેલે બનાવટી ડોકયુમેન્ટના આધારે સિંધુ ભવન રોડ ઉપર ખેડૂતોની જમીનો પચાવી પાડી હતી. જોકે આ જમીન કૌભાંડ બાબતે એક ફરિયાદ દાખલ થઇ ચૂકી છે. જ્યારે બીજી ફરિયાદ ટૂંક જ સમયમાં દાખલ થશે. ત્યારબાદ પોલીસ કોર્ટ રાહે ખેડૂતોને તેમની જમીન પાછી અપાવશે.
જમીન કૌભાંડમાં રમણ પટેલના પરિવારની 4 મહિલા આરોપી છે. જેમાં રમણ પટેલના પત્ની મયૂરિકાબેનનો પણ સમાવેશ થાય છે. જમીન કૌભાંડમાં મયૂરિકાબહેન સહિત ચારેય મહિલાની પણ ધરપકડ કરવામાં આવશે.વસ્ત્રાપુર પોલીસ સ્ટેનના પીઆઇ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, ચંચળબેનની ફરિયાદના આધારે રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હાલમાં આ કેસમાં કોઇની ધરપકડ કરાઈ નથી. આ કેસમાં પુરાવા એકત્રિત કર્યા બાદ જ આરોપીઓની ધરપકડ કરાશે. જ્યારે રમણ પટેલ અને દશરથ પટેલ સાબરમતી જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરાશે