અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના નિષ્ણાત તબીબો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
દિવાળીના તહેવારોમાં લાખો લોકો બજારોમાં ખરીદી માટે નીકળી પડતાં કોરોનાએ ફરી માથુ ઉચકયું છે. કોરોનાના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખી સરકાર એકશનમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અમદાવાદની હોસ્પિટલોમાં બેડ તેમજ સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હાલ 581 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 170 દર્દીઓ આઇ.સી.યુ , વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે. 1200 બેડ હોસ્પિટલમાં કૂલ 248 વેન્ટીલેટરની સુવિધા છે. જેમાં 78 વેન્ટીલેટર પર વધુ ગંભીર પરિસ્થિતિઓમાં આવતા દર્દીઓને સારવાર આપી શકાય તેમ છે.
અમદાવાદ પશ્ચિમમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 450 પથારીઓની વ્યવસ્થા છે જેમાંથી 188 દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 80 આઇ.સી.યુ. વેન્ટીલેટરની વ્યવસ્થા છે. જેમાંથી 17 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે.
તહેવારો શરૂ થવાની સાથે જ અમદાવાદમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં બજારોમાં તેમજ અન્ય સ્થળો પર ખરીદી કરવા માટે ભીડ જમાવી રહ્યા છે, જેને કારણે લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, સતત કેસોમાં વધારો થતાં હવે લોકોમાં ફરી કોરોનાનો ભય જોવા મળ્યો છે. આજે સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાના મફત ટેસ્ટના કેમ્પ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો પોતાના પરિવાર સાથે જ કોરોના ટેસ્ટ કરાવવામાં કલાકોથી લાઈનમાં ઊભા રહ્યા છે, ત્યારે હવે આજે સરકાર કેસની સંખ્યા ઘટાડવા માટે શું એક્શન પ્લાન તૈયાર કરે છે એ જોવાનું છે.