અમદાવાદ સહીત રાજ્યમાં એટીએમમાં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતા એક ઠગને શહેર સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે આ આરોપીએ માત્ર ગુજરાતમાં નહિ પણ બહારના રાજ્યોમાં પણ આવા ગુન્હાઓને અંજામ આપ્યો છે અને અત્યાર સુધીમાં 20 થી વધુ ફરિયાદો પણ તેની સામે નોંધાઈ છે. લોકો સાથે છેતરપીંડીથી મેળવેલા રૂપિયાથી તે ડાન્સબારમાં જઇ જલ્સા કરતો હતો.
અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે તેના ખાતામાંથી 15 ઓક્ટથી 22 ઓક્ટમાં કોઈએ 1.70 લાખ ઉપાડી લઈ છેતરપિંડી કરી છે અને જે આધારે તપાસમાં સાઇબર ક્રાઈમ બ્રાન્ચ જોડાઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે પોલીસે રાજવીર ભટ્ટ નામના યુવકની ધરપકડ કરી હતી.
આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આ સિવાય ઓક્ટોબર 2020થી અત્યાર સુધીમાં 19થી વધુ ગુનાઓ કર્યા છે અને જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ, બારડોલી, ગાંધીનગર, અજમેર ,મુંબઈમાં પણ આવી રીતે ગુનાઓ કર્યા છે અને ફરિયાદ પણ થઈ છે. વધુમાં આરોપી છેતરપિંડી કરી મુંબઈમાં ડાન્સ બારમાં રૂપિયા ઉડાવતો હતો અને વૈભવી હોટેલમાં રહેતો હતો. આરોપી પહેલા મોજ શોખ પુરા કરવા માટે ઘરમાંથી નાની મોટી ચોરીઓ કરતો હતો.