અરબ સાગરમાંથી સૌરાષ્ટ્રની ધરા પર તાઉ -તે વાવાઝોડા નામની આફત ત્રાટકી હતી. વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભારે વિનાશ વેર્યો છે ત્યારે હવે રાજય અને કેન્દ્ર સરકાર તબાહી બાદ હવે જનજીવનને પુન: ધબકતું કરવામાં લાગી છે….
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં તાઉ -તે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. સાપ ગયો હોય પણ લીસોટા રહી ગયાં હોય તેમ વાવાઝોડુ ભલે ચાલ્યું ગયું પણ વાવાઝોડાની માઠી અસરો હવે જોવા મળી રહી છે. 170 કીમીની ઝડપે ફુંકાયેલા પવનોથી અનેક ગામડાઓ તબાહ થઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. મકાનો, ખેતી, વીજપોલ સહિતની માલમિલકતોને થયેલાં નુકશાન બાદ જનજીવનને પુન: ધબકતું કરવા કેન્દ્ર સરકારે એક હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને પગલે ઉના, દિવ, જાફરાબાદ અને ભાવનગરના મહુવામાં ભારે તારાજી થઈ છે. આ વાવાઝોડામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો બેઘર બન્યા છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને ગુરૂવારથી કેશડોલ ચૂકવાશે, પુખ્ત વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિદિન અપાશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પર જ્યારે જ્યારે કોઇ વિપદા કે આફત આવી ત્યારે મદદ અને સહાય માટે હંમેશા ત્વરિત પ્રતિસાદ આપીને મદદરૂપ થયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, આ તાઉ-તે વાવાઝોડાનો આપણે મક્કમતાથી મુકાબલો કર્યો છે. આ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓ તથા મંત્રીઓનો અથાગ પરિશ્રમ અને આગવી સૂઝ પણ પૂરક નીવડ્યા છે તે માટે પણ ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે અને આગતોરા આયોજનથી મોટી જાનહાની આપણે ટાળી શક્યા છીએ. વાવાઝોડાના મૃતકોને કુલ 6 લાખ રૂા. અને ઇજાગ્રસ્તોને 1 લાખ રૂા.ની સહાય મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.