હવે વાત અમદાવાદના સીઝનલ વેપારીઓની, દિલ્હી દરવાજા ખાતે ભરાતાં સીઝનલ બજારમાં પિચકારી, રંગો તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરતાં સ્ટોલ્સ લાગી ગયાં છે પણ ઘરાકી નહિ નીકળતાં વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
હોળીના તહેવારને હવે 2 દિવસ બાકી છે. ત્યારે દર વર્ષે હોળી અગાઉ બજારમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે બજારો સુમસાન ભાસી રહયાં છે. હવે લોકોને સંક્રમિત થવાનો ભય સતાવી રહયો છે. પિચકારી અને રંગોનું વેચાણ કરતાં વેપારીઓને આશા હતી કે શનિવાર અને રવિવારના દિવસોમાં ખરીદી નીકળશે પણ હાલ બજારો ખાલીખમ લાગી રહયાં છે.
અમદાવાદ શહેરમાં સિઝનલ ધંધાનું મોટું બજાર દિલ્હી દરવાજા પાસે આવેલું છે. જ્યાં ઉત્તરાયણ, હોળી, રક્ષાબંધન, દિવાળી જેવા તહેવાર સાથે સંલગ્ન સિઝનલ વસ્તુઓનું વેચાણ થાય છે. હોળીનો તહેવાર આવતા જ વેપારીઓએ પિચકારી અને કલરની મોટા પાયે ખરીદી કરી હતી. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ સતત વધતા બજારમાં ગ્રાહકની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી જ દુકાનો ચાલુ કરીને વેપારીઓ બેસી રહે છે, પરંતુ વેચાણ થતું ન હોવાથી વેપારીઓ નિરાશ થઇને ઘરે પરત જાય છે.
અમદાવાદના વેપારીઓએ કોરોનાને કારણે દર વર્ષ કરતા 50 ટકા જ ખરીદી કરી હતી અને ભાવમાં પણ કોઈ ખાસ વધારો નથી થયો. છતાં બજાર ખાલીખમ જોવા મળ્યા છે. વેપારીઓએ માલ ખરીદ્યા બાદ રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાતનો જ ધંધો વધુ હોવાથી વેપારીઓની આશા પર પાણી ફેરવાઇ ગયું છે. જેથી જે કિંમતે માલ ખરીદ્યો હતો તે કિંમતે પણ વેપારીઓ માલ વેચવા તૈયાર છે. વેપારી પ્રહલાદભાઇએ જણાવ્યું કે, ધુળેટીની ઉજવણી પર પાબંધી લાગશે તેવી સરકારે અમને જાણ કરી ન હતી પરિણામે અમે રંગો, પિચકારી સહિતની વસ્તુઓ વેચાણ માટે લાવ્યાં હતાં. હવે ધુળેટી નહિ રમી શકાય બીજું રાતના 9 વાગે કર્ફ્યુ નાખ્યો છે. આ બંને કારણોસર અમારે આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.