/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/12125622/maxresdefault-134.jpg)
અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી મળી આવેલ બિનવારસી મૃતદેહની ઓળખ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. હત્યારાઓને ડર હતો કે, મૃતક તેમનું જ ખૂન કરી નાખશે તે ડરથી ષડયંત્ર રચી યુવકની હત્યા કરી ઓળખ ન થાય તે માટે મૃતદેહને સળગાવી આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધોળકામાં થયેલ યુવકની હત્યાના ભેદને ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે. જેમાં નીતિન ઉર્ફે ભુરિયો ચૌહાણ, ઋતિક ચૌહાણ, રાહુલ પુરબીયા અને નરેન્દ્ર ઉર્ફે ભોપો પુરબીયાની પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપીઓ પાસેથી હત્યાના ગુનામાં વપરાયેલ કાર અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે તેમની પ્રાથમિક પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે, મૃતક વિકાસ ગત તા. 1 નવેમ્બરથી ગુમ હતો. જેમાં પકડાયેલા આરોપીઓએ તેને કારમાં બેસાડી ધોળકાના નજીક રોડ પાસે લઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. એટલું જ નહીં તેની ઓળખ છતી ન થાય તે માટે મૃતદેહ પર પેટ્રોલ છાંટી તેને સળગાવીને પુરાવાનો નાશ પણ કર્યા હોવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે મૃતક વિકાસ ઉર્ફે ચૂન્ની પાંડે થોડા સમય પહેલાં જ જેલમાંથી બાર આવ્યો હતો અને અગાઉની તકરારમાં નિતીન ઉર્ફે ભુરીયાને નાખવાની પણ ધમકી મળી હતી. મૃતક વિકાસ ઉર્ફે ચૂન્ની પાંડેએ નિતીન ભુરીયાને પોતાના વાહનમાં બેસાડવાની ના પાડી દીધી હતી. જેમાં બન્ને વચ્ચે મતભેદ થયા બાદમાં મૃતક અને આરોપીઓને પોતાની હત્યા થઈ જવાનો ડર હતો. જેને પગલે નિતીન ભુરીયાએ વિકાસની હત્યા કરવાનું નક્કી કરી ઘરેથી હથિયાર લઇ કાર સાથે નીકળ્યો હતો. જેમાં વિકાસની હત્યા કરી ઓળખ ન થાય તે માટે તેના મૃતદેહને સળગાવી આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, ત્યારે હાલ તો ઝડપાયેલા આરોપીઓનો અન્ય ગુનાહિત ઈતિહાસ છે કે, કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.