ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ શહેરના એક બિલ્ડર તેમજ ગુટખાના વેપારી મુસ્તફામિયા શેખના 10 રહેઠાણો અને 4 ઓફિસ પર દરોડા પાડ્યા છે. દરોડામાં ઈન્કમટેક્સના 160 અધિકારી જોડાયા હતા. ઈન્કમટેક્સને ગુટખાના આ વેપારી બેડ રૂમમાં બેડ નીચે સંતાડી રાખેલા 4થી 5 કરોડ રોકડા મળ્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ઘરેણાં અને વાંધાજનક દસ્તાવેજ પણ પકડાયા હતા. જોકે, વેપારી કે, તેના પરિવારના સભ્યોએ આ અંગે કોઈ ખુલાસો આપી શક્યા ન હતા.
આઈટીની ઈન્વેસ્ટિગેશન વિંગના 160થી વધુ અધિકારીઓનો કાફલો અમદાવાદમાં 14 સ્થળોએ સાગમટે ત્રાટક્યો અને સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આવકવેરા દરોડાના નિશાને ચડેલા માણેકચંદ ગુટખાના ગુજરાત ડીલર મુસ્તફા મિયા શેખ કાલુપુર અને સારંગપુર ખાતે તેમની મુસ્તફા સેલ્સ એજન્સીના નામે ઓફિસ અને ગોડાઉન ધરાવે છે. એનઆઇડી પાછળ આવેલા તેમના રહેઠાણ ઉપરાંત તેમના ચાર ભાઇ અને સંબંધીના રહેઠાણ ઉપર આઇટી અધિકારીઓના દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડામાં રાજકોટ સહિતના શહેરોમાંથી ઈન્વેસ્ટિગેશન વિભાગના અધિકારીઓને દરોડામાં સામેલ કરાયા છે. દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ, દાગીના, લોકર અને રોકડમાં કરેલા વ્યવહાર મળી આવ્યા હતા. તાજેતરમાં તેમણે શહેરના એક ડોકટર સાથે જમીનનો સોદો કર્યો હોવાનું મનાય છે. ઇન્કટેક્સ અધિકારીઓએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં જ્વેલરી, રોકડ અને દસ્તાવેજો મળી આવ્યા હતા. મુસ્તફામિયા અને તેના સંબંધીઓના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળતા બેન્ક અધિકારીઓને ગણતરી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે બેન્કના અધિકારીઓએ મોડી રાત સુધી આ રકમની ગણતરી ચાલુ રાખી હોવાનું જાણવા મળ્યું છે
