/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/01151605/maxresdefault-7.jpg)
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં મેડીકલ કટોકટી સર્જાઇ હતી. બેડ અને ઇન્જેકશન માટે લોકોની રઝળપાટના કારણે ગુજરાત બદનામ થઇ ગયું હતું હવે દોષનો ટોપલો આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિ પર ઢોળી દેવાયો છે. ડૉ. જયંતિ રવિની બદલી તામિલનાડુ ખાતે કરી દેવામાં આવી છે.
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવતા ગાંધીનગર અને સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યંતી રવિની એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલીનો હુકમ થયો છે. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય સચિત તરીકેની જવાબદારી નિભાવનાર જયંતિ રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. કોરોનાની લહેર શરૂ થતાં તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.રાજ્યમાં કોરોના કેસ વધતા સાથે હોસ્પિટલ બેડ, સારવાર અને ટેસ્ટિંગ સહિતની તમામ જવાબદારીઓ તેઓ સાંભળતા હતા કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની બૂમો ઉઠી હતી તો બીજી લહેર દરમ્યાન પણ ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત તેમજ સાથે બેડ ના મળવાની અનેક ફરિયાદો ઉઠી હતી.
આ બાબતે રાજકીય આગેવાનો અને સરકારી વિભાગોએ ડૉ. જયંતિ રવિ પર આરોપો લગાવ્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોને કાબુમાં લાવવા માટે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી જયંતિ રવિની ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતિ રવિ નારાજ હતાં. કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતિ રવિએ પોતાની બદલી તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે તેમની બદલી રોકી રાખી હતી. આખરે તેમને તામિલનાડુ ખાતે બદલી કરી દેવાઇ છે.