અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ, 12 જેટલી સ્કૂલને સિલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ BU પરમિશન વગર ચાલતી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને નાછૂટકે સિલ કરવાની ફરજ પડી છે. BU લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવા વાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ વિસ્તારમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સિલ કર્યું છે.
ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સિલ કરવામાં આવી છે. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે 266 જેટલી દુકાનો ઓફિસને સિલ કરી છે. આરકેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરવામાં આવી છે. અગાઉ પણ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતીનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી.
એસ્ટેટ વિભાગ દ્વારા મણિનગર વિસ્તારમાં 27 દુકાનો અને ઓફિસ સિલ કરવામાં આવી છે, વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ સિલ કરાઇ છે જ્યારે સરખેજ ખાતે કુલ 7 યુનિટ સહિત BU પરમીશન વગર ચાલતી અનેક મિલકતો સિલ કરવામાં આવી છે. તો બીજીબાજુ શહેરના અનેક કોમ્પ્લેક્ષ દુકાનોમાં વહેલી સવારથી એએમસીની ટિમો ત્રાટકી રહી છે. અનેક દુકાનદારો એએમસીની ભૂલ ભરેલી કાર્યવાહીનો ભોગ બન્યા છે અને દુકાનદારોએ આ બાબતે એએમસીને રજૂઆત કરતા અનેક દુકાનો અને શોપિંગ કોમ્પ્લેક્ષ સીલિંગ હટાવી ખોલવામાં આવ્યા છે.