/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/28165856/maxresdefault-107-314.jpg)
અમદાવાદના એસજી રોડ પરના રોયલ હોમ્સમાં રહેતી પરણિતાએ તેની જ સાસુની લોખંડની પાઈપના ફટકા મારી ક્રુર ઘાતકી હત્યા કરવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. રોયલ હોમ્સમાં રહેતા રેખાબેન અને તેમના પતિ રામનિવાસના પુત્ર દિપકના લગ્ન 10 માસ પહેલાં જ નિકિતા ઉર્ફે ન્યારા સાથે થયા હતા. રેખાબેન અને પુત્રવધુ નિકિતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતાં.
મંગળવારે રાત્રે અત્યંત આવેશમાં આવી જઈ ગુસ્સે ભરાયેલા નિકિતાએ તેની સાસુ રેખાબેનના માથામાં લોખંડની પાઈપના કચકચાવીને ફટકા મારતાં રેખાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. રૂમની દિવાલો પણ લોહીના છાંટાથી ખરડાઈ ગઈ હતી. રેખાબેનની હત્યા કર્યા બાદ નિકિતાએ લાશને સળગાવવા પ્રયાસ કર્યો હતો. રેખાબેનની હત્યાની ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પે.જે પી જાડેજા ટીમ સાથે દોડી આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે નિકિતા ઉર્ફે ન્યારાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
પુત્રવધુ નિકિતા અને રેખાબેન વચ્ચે સવારથી જ ઘરમાં ઉગ્ર ઝઘડો ચાલતો હતો. રામનિવાસને કોરોના હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા છે. તેમનો પુત્ર દિપક રાત્રે તેના પિતા પાસે હોસ્પિટલમાં હતો. તે સમયે સાસુ વહુ બંને ઘરમાં એકલા હતા. રાત્રે તેમના ઘરમાંથી ઉગ્ર ઝઘડાનો સતત અવાજ આવતો હોવાથી પડોશીએ દિપકને જાણ કરી હતી. આથી દિપક ઘરે દોડી આવ્યો હતો. દિપકે ઘરનું બારણું ખટખટાવવા છતાં કોઈ જવાબ મળતો ન હતો. ત્યારબાદ બારણું ખોલાવતાં અંદર તપાસ કરતાં રેખાબેન મૃત હાલતમાં મળી આવ્યા હતાં. નિકિતાએ સાસુની એટલી ક્રુર રીતે હત્યા કરી હતી કે રૂમની દીવાલો પર લોહીના ફુવાર ઉડયા હતાં અને સાસુનો મૃતદેહ લોહીના ખાબોચીયામાં પડયો હતો.