રાજ્યમાં ન્યૂયરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં 31st ડિસેમ્બર પાર્ટી પ્લોટ અને ક્લબમાં હૈયે હૈયું દળાય તે માફક યુવાધન ડીજેના તાલે નાચતા નજરે પડ્યું હતું. એક તરફ વર્ષ 2022ને બાય બાય અને 2023ને આવકારવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અમદાવાદ YMCA ક્લબ બાઉન્સરો અને પાર્ટીમાં આવેલા લોકો આમને સામને આવી ગયા હતા. લોકો અને ક્લબના બાઉન્સરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા પાર્ટીની મજા બગડી હતી.
શહેરના વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અમદાવાદની જાણીતી કલબમાં તોડફોડ થઈ હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં YMCA ક્લબ માં રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડવાનું જાહેરનામું હતું. જેને પગલે ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. જેને લઇ ક્લબના બાઉન્સરો અને પાર્ટીમાં આવેલા લોકો આમને સામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ક્લબના બાઉન્સર પબ્લિક સાથે મારામારી કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ પણ તોડફોડ કરી હતી. જો કે, આ તોડફોડની ઘટના બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ ફરિયાદ નોંધાવી નથી.
