અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એએમસી અને જીઈબીની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. જેને લઈને બેના કરુણ મોત નિપજવા પામ્યા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના ન્યુ શુભ લક્ષ્મી સોસાયટીમાં વરસાદી છાંટાનો બાળકો ઘર પાસે આનંદ માણતા હતા. ત્યારે અચાનક બાળકને વીજ કરંટ લાગ્યો હતો. જેને જોઈને પાડોશી મહિલા બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. જે વીજ કરંટથી બન્નેનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અહી રહેતા સ્થાનિકોએ ખુલ્લા રહેલ વીજ વાયરો અંગે રોષ ઠાલવી તાત્કાલિક બેદરકારો ઉપર કાર્યવાહી કરવા માંગ કરી હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વીજતંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કોઇ ઉકેલ આવતો નથી.