/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/05130111/maxresdefault-42.jpg)
રાજ્યમાં ફરી આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના પીરાણા નજીક કાપડના ગોડાઉનમાં આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 સુધી પહોચ્યો છે. કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળતા અત્યાર સુધી 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે.
પીરાણા-પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે ભીષણ આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાપડના ગોડાઉનમાં આગના પગલે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક 9 પર હતો, જ્યાર બાદ કાટમાળ નીચેથી વધુ 3 મૃતદેહ બહાર કઢાયા છે. જેને લઇને મૃત્યુઆંક વધીને 12 સુધી પહોચ્યો છે. જેમાં કુલ 5 મહિલા અને 7 પુરૂષોના આગની દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. જોકે ગોડાઉન સંપૂર્ણ પેક હતું અને વેન્ટિલેશનની વ્યવસ્થાનો અભાવ હતો. તો સાથે જ ગોડાઉનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. આ ગોડાઉન બટા ભરવાડ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે કેમિકલના ગોડાઉન મલિકની વધુ પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદમાં ગોડાઉનમાં બ્લાસ્ટને લઈ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, જોરદાર ધડાકા સાથે આખી જમીનમાં ધ્રુજારી આવી ગઇ હતી. આકાશમાં ચારે બાજુ ધુમાડો જ ધુમાડો જોવા મળ્યો હતો. ઘટના ખૂબ જ ગંભીર હતી, અનેક લોકો બિલ્ડીંગમાં દટાયેલા હતા. ધ્રુજાવી દે તેવો ધડાકો થયો અને બિલ્ડીંગ તુટી પડી હતી. અમદાવાદમાં બનેલી આગની દુર્ઘટનાને લઈ CMએ તપાસના આદેશ આપ્યા છે. વિપુલ મિત્રા અને સંજીવકુમાર બન્ને ઉચ્ચ અધિકારીઓને આગકાંડના તપાસની જવાબદારી સોંપાઈ છે. તો મૃતકોના પરિવારને પણ રૂપિયા 4 લાખની સહાય કરવા માટે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
અમદાવાદ ગોડાઉનમાં આગની ઘટના અંગે ફાયર ચીફ ઓફિસર એમ.એન.દસ્તુરે નિવેદન આપ્યું હતું કે, આગ લાગતાં છત ધરાશાયી થતાં મોટું નુકસાન થયું છે. કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો છે. કાપડના ગોડાઉનમાં આગ મામલે GPCB ચેરમેન સંજીવકુમારે આગ ઘટનાની નોંધ લીધી છે, ત્યારે કેમિકલ મુદ્દે GPCBએ તપાસ કરી શરૂ છે. કંપનીમાં આગ મામલે પ્રાદેશિક કચેરી પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઘટના સ્થળે આસપાસના વિસ્તારનું પોલ્યુશન મપાશે અને પોલ્યુશન માપીને કયું કેમિકલ વપરાયું તેની જાણકારી પણ મેળવવામાં આવશે.
અમદાવાદમાં આગની દુર્ઘટના મામલે PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગને કરાણે થયેલી જાનહાનીને કારણે ખુબ દુ:ખી છું. પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થનારાઓ માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક તંત્ર તમામ પ્રકારની શક્ય મદદ કરવા માટે તત્પર છે. તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ ઘટનાને શરમજનક ગણાવી પોતાનું દુઃખ વ્યકત કર્યું હતું. સરકાર પાસે માંગણી કરી હતી કે, સલામતી માટેના પગલાં નોહતા. અહીં ફેકટરીમાં જે પરિવારે મોભી કે, સભ્ય ગુમાવ્યો છે તેને માતબર રકમ સરકારે ચૂકવવી જોઈએ.