/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/04172405/maxresdefault-39.jpg)
અમદાવાદના સરખેજ ફતેહવાડી વિસ્તારમાંથી પોલીસે વિદેશી નાગરિકોને છેતરતું એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. લોનના નામે વિદેશી નાગરિકોને છેતરતા ચાર શખ્સોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.
સરખેજ પોલીસ ગિરફતમાં ઉભેલા આ ચારેય શખ્સોને ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. આ ચારેય શખશો છેલ્લાં ત્રણેક માસથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા અને અમેરિકન નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. વિદેશી નાગરિકોને ગિફ્ટ વાઉંચર આપવાની લાલચે બેંક ડિટેઇલ મેળવી લેતા અને બાદમાં હવાલા મારફતે રૂપિયા કમાતા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે પકડેલા આરોપી સહદ ધોબી, મોઈનબેગ મિર્ઝા, નાસીર હુસેન પઠાણ અને અરફાત શેખ નામના ચારેય શખ્સો છેલ્લાં 3 મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હતા. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી ફતેહવાડીમાં આવેલ તયબા રેસીડેન્સીના છઠ્ઠા માળે પેન્ટ હાઉસમાં ભેગા મળીને તો ક્યારેક ચાલુ કારમા કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ textnow નામની એપ્લિકેશનમાં વિદેશી નાગરિકોને મેસેજ કે કોલ કરતા અને ખોટા નામ ધારણ કરીને તેઓને વિશ્વાસમાં લઈ ડેટા મેળવતા.
બાદમાં તેઓને ઇ-મેઇલ પર મેસેજ મોકલી પોતાનો મોબાઇલ નંબર મોકલી આપતા હતા. આમ લોન મેળવવા માટે કહીને સામે વાળી વ્યક્તિની બેંકની વિગતો મેળવી લેતા હતા અને તેમના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવી વોલ માર્ટ કે ગૂગલ પે ગિફ્ટ કાર્ડ દ્વારા 25 થી 200 ડોલરના ગિફ્ટ વાઉચર લઈને તેનો નંબર મેળવી છેતરપિંડી કરતા હતા. હાલતો સરખેજ પોલીસે ચાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.