અમદાવાદના CG રોડ પરની 450થી વધુ મિલકતોને તંત્રનાં તાળાં લાગ્યાં છે.AMC પશ્ચિમ ઝોનમાં 50 હજારથી વધુ બાકી ટેક્સ ધરાવનારા 15 હજારથી વધુ કરદાતાઓને તંત્ર સંપર્ક કરશે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આવકના એકમાત્ર સ્ત્રોત સમાન પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા ટેક્સ વિભાગના સત્તાવાળાઓએ બાકી ટેક્સધારકો સામે સીલિંગ ઝુંબેશ આરંભી છે.રૂ. 50 હજારથી વધુ બાકી ટેક્સ તંત્રને ચોપડે બોલતા હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતોને તંત્રનાં તાળાં લાગી રહ્યાં છે.

કોરોનાકાળ બાદ લગભગ બે વર્ષે ધંધા-રોજગારની ગાડી હવે પાટા પર ચડી હોઈ અનેક વેપારીઓ તંત્રમાં નિયમ મુજબની રકમ ભરીને તેમની દુકાન, ઓફિસ કે ગોડાઉનનાં સીલ ખોલી રહ્યાં છે. દરમિયાન, મ્યુનિ. ટેક્સ વિભાગને શહેરમાં ચાલતી સીલિંગ ઝુંબેશથી રૂ.50 કરોડથી વધુની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.તંત્ર દ્વારા પશ્ચિમ ઝોનના આંબાવાડીમાં સંઘમિત્રા ફ્લેટ આનંદવિહાર ખાતેની મિલકત પર ત્રાટક્યું હતું. આ ઝોનમાં કુલ આઠ મિલકત સીલ કરાઈ હતી.

જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયાના રત્નસાગર કોમ્પ્લેક્સ, થલતેજની રામદેવ નગર સોસાયટી અને મુક્તિનગર ખાતે તંત્ર ત્રાટક્યું હતું. આ ઝોનમાં 40 મિલકત સીલ કરાઈ હતી, તો દક્ષિણ-પશ્ચિમ ઝોનના ટાઇટેનિયમ સિટી સેન્ટર, રાજીપા એવન્યૂ, અલ-ઓઈન શોપિંગ સેન્ટર, સાનિધ્ય ગ્રીન, પાલમ મિડ વોશ વગેરે સ્થળોએ ત્રાટકીને કુલ 29 મિલકતને સીલ કરી હતી. તા.17 માર્ચે હોળી હોઈ તંત્રની સીલિંગ ઝુંબેશમાં ધીમી રફતાર હતી.તે દિવસે શહેરની કુલ 537 મિલકતોને સીલ કરીને સત્તાવાળાઓએ સીલિંગ ઝુંબેશથી રૂ. 80.60 લાખ મેળવ્યા હતા.પશ્ચિમ ઝોન માંથી સીલિંગ ઝુંબેશ હેઠળ સૌથી વધુ રૂ. 5.13 કરોડ મ્યુનિ. તિજોરીમાં ઠલવાયા છે.