રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્ર્મણ વધતા વેપારી મહાજનો આગળ આવ્યા છે. જેમાં વેપારી મહાજનની મિટિંગમાં અનેક સૂચનો કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારને જે સૂચન કરવામાં આવ્યા છે, તેમાં રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. તો સાથે જ બજારોમાં લોકોને તકેદારી માટે પોસ્ટર લગાડવા અને સ્થાનીય તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટ પણ વધારવા અંગે અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર બાદ હવે રાજ્યમાં કોરોનના કેસમાં ઉછાળો આવ્યો છે.
રાજ્યના અનેક શહેરોમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો લાગી છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ ચિંતાજનક છે, ત્યારે હવે વેપારી મહાજને રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી શહેરમાં કરફ્યુ રાખવા માટે પણ અપીલ કરી છે. તહેવારના સમયે રાજ્યની જનતાએ જે બેદરકારી દાખવી છે તેના પરિણામે કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ઉદ્યોગોના પ્રતિનિધિઓને પણ સૂચના આપવામાં આવી છે. આમ ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.