અમદાવાદ : કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાજમાર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા, ટ્રાફિક પોલીસે ઈ-મેમો ફટકારવાનું શરૂ કર્યું

New Update
અમદાવાદ : કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાજમાર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા, ટ્રાફિક પોલીસે ઈ-મેમો ફટકારવાનું શરૂ કર્યું

અમદાવાદ શહેરમાં જ્યારે કોરોનાના કેસ વધ્યા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગનો દંડ વસૂલવાનું બંધ કરી લોકો પાસેથી માસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. જોકે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં લોકોના ધંધા રોજગારની પણ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવે શહેરમાં વધતાં ટ્રાફિકને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદના શહેરીજનોએ ફરીવાર ટ્રાફિકનો દંડ ભરવો ન પડે તે માટે વાહન હંકારતા સમયે સાવચેતી રાખવી પડશે. કોરોના કાળમાં માંડ ધંધા રોજગારની શરુઆત થઈ છે, ત્યારે ટ્રાફિક પોલીસે ફરીવાર ઈ-મેમો ફટકારવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે લોકોમાં ભય પણ ઓછો થયો છે. સરકારે નિયમો પ્રમાણે લોકોને ધંધા-રોજગાર શરૂ કરવાની મંજુરી આપી છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં સંચાર વધી રહ્યો છે, તે સાથે જ રસ્તાઓ પર ટ્રાફિક પણ સતત વધવા લાગ્યો છે.

આ સ્થિતિ વચ્ચે ટ્રાફિક નિયમનો ભંગ ન થાય અને તેની કાળજી વાહનચાલકોએ લેવી જ પડશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઈ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. કોરોનામાં પ્રમાણ તબક્કાવાર ઘટતું ચાલ્યું હતું, તે સ્થિતિ વચ્ચે મે મહિનામાં જ સ્ટોપલાઈન ભંગના 43 હજારથી વધુ ઈ-મેમો તૈયાર કરવામાં આવ્યાં છે. ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવતા 85 લોકો CCTV કેમેરાની ઝપેટમાં આવી દંડાયા હતા.

આ વાહનચાલકોને પણ રૂપિયા 43 હજારની રકમના ઈ-મેમો આપવામાં આવ્યા છે. હાલ અમદાવાદમાં કુલ 27 જંક્શન પર ઈ-મેમો ઈસ્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી કહી શકાય કે, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકો પાસેથી ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર જ દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Latest Stories