અમદાવાદ : અનલોક-5માં પણ ગાંધી આશ્રમ “LOCK”, દેશ-વિદેશના પ્રવાસીઓ વિલા મોઢે ફરે છે પરત

New Update
અમદાવાદ : અનલોક-5માં પણ ગાંધી આશ્રમ “LOCK”, દેશ-વિદેશના પ્રવાસીઓ વિલા મોઢે ફરે છે પરત

કોરોનાના કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં અમદાવાદનું ગાંધી આશ્રમ પણ બંધ કરવામાં આવ્યું હતું. જોકે અનલોકના 5 તબક્કા પછી પણ ગાંધી આશ્રમને બંધ રાખવામાં આવ્યું છે, ત્યારે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ગાંધી આશ્રમની મુલાકાત લીધા વિના વિલા મોઢે પરત ફરી રહ્યા છે.

અનલોક-5માં સરકારે કોઈ સંગ્રહાલયને ખોલવાની મંજૂરી આપી ન હોવાથી સાબરમતીના કિનારે આવેલ ગાંધી આશ્રમને પણ ખોલવામાં આવ્યું નથી. હાલ આશ્રમની મુલાકાતે આવતા લોકો બોર્ડ વાંચી પરત ફરી રહ્યા છે. મહાત્મા ગાંધીનું આ આશ્રમ અમદાવાદની ઓળખ છે. અહીં પ્રતિ દિવસ દેશ અને વિદેશના હજારો પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવે છે. પરંતુ છેલ્લા 7 મહિનાથી ગાંધી આશ્રમ બંધ હોવાથી પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે.

જોકે હવે અનલોકનો પાંચમો તબક્કો શરૂ થયો છે. જેમાં શહેરના વિવિધ બજારો, મોલ અને મલ્ટીપ્લેક્સ પણ શરૂ થયા છે, ત્યારે હવે ગાંધી આશ્રમ પણ ખોલવો જોઈએ તેવો મત બહાર આવી રહ્યો છે. ગાંધી આશ્રમ બંધ હોવાના કારણે અનેક પ્રવાસીઓ મુલાકાત લીધા વિના પરત જઈ રહ્યા છે. જેમને ખ્યાલ નથી કે, હજી આશ્રમ બંધ છે. તેઓ માટે આશ્રમની બહાર તંત્ર દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે. બોર્ડમાં સાફ લખાણ કરવામાં આવ્યું છે કે, કોવિડ-19ના કારણે અહી આવતા લોકો માટે આશ્રમની મુલાકાત બંધ રાખવામાં આવી છે.

ગાંધી આશ્રમથી અનેક લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. અહીં આસપાસ અનેક નાના દુકાનદારો વેપારીઓ પણ વસવાટ કરે છે. અહી અનેક ખાદીની દુકાનો પણ આવેલી છે. પરંતુ અનેક મહિનાઓથી તેઓ બેકાર બન્યા છે, ત્યારે તેઓની પણ માંગણી છે કે, સરકારની ગાઈડલાઇન અનુસાર હવે ગાંધી આશ્રમને પણ વહેલી તકે ખોલવો જોઈએ. કારણ કે, આશ્રમ બંધ હોવાથી અહીંના દુકાનદારો અને આસપાસના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે.