/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/20170105/maxresdefault-144.jpg)
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદમાં બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે રીતે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં લોકોની લાઈનો લાગે છે તેને ઓછી કરવા માટે શરૂ થયેલા કલેક્શન સેન્ટરમાં અત્યાર સુધી ફોર-વ્હીલર, થ્રી-વ્હીલરમાં આવતા લોકોનો ટેસ્ટ કરાતો હતો. જોકે ગતરોજ ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટના નિયમમાં ફેરફાર કરીને વાહન સિવાય પણ લોકો હવે ચાલતા જઈને ટેસ્ટ કરાવી શકે તે માટે વોક ઈન ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં લોકો બહાર આવી રહ્યા છે, ત્યારે એએમસી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડોમ પણ ઉભા કરવામાં આવ્યા છે. છતાં ટેસ્ટનું ભારણ સતત વધી રહ્યું છે, ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટની સાથે હવે વોક ઈન ટેસ્ટ માટેના કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ વાહન ચાલક અહીં આવી ડોમમાં પોતે ચાલીને જઈ પોતાનો ટેસ્ટ કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
એએમસી અને ખાનગી લેબોરેટરી દ્વારા અહી 700 રૂપિયામાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જોકે વોક ઈન ટેસ્ટમાં પણ આજે સવારથી j મોટી સંખ્યામાં લોકો પહોચી રહ્યા છે, ત્યારે ટેસ્ટ કરાવતા પહેલા રજીસ્ટ્રેશન અને ત્યારબાદ ટોકન પ્રમાણે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે 24 કલાકમાં વોક ઈન ટેસ્ટનો રિપોર્ટ લોકોને પોતાના મોબાઈલમાં મળી જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.