આજે સવારે નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા હાટકેશ્વર, અમરાઈવાડી થઈ અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ધર્મરથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ ધર્મરથ યાત્રા 7 કલાક સુધી યોજાઈ હતી. આ યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મરથ કાઢી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે રવિવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી હતી. સવારે નરોડા જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ઝંડા સાથે બાઈકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી હતી. નરોડા ખોડિયાર ચોક(જય માતાજી ચોક)થી શરૂ થઈ નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ ખાતે સાંજે પૂર્ણ થઈ હતી. ખોખરામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
નારી અસ્મિતાની લડાઈ માટે ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓ પણ હવે રસ્તા પર ઉતરી છે. હાથમાં તલવાર લઈને તલવાર રાસ વડે સમાજની દીકરીઓએ તેમની શક્તિ બતાવી હતી. ક્ષત્રિય સમાજની નારી પણ અસ્મિતા લડાઈ માટે આગળ આવી છે. આજે યોજાયેલી આ ક્ષત્રિય ધર્મરથ યાત્રાને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્ષત્રિયો દ્વારા ‘જય ભવાની...ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા