અમદાવાદમાં હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’ની શરૂઆત
AMC અને IIT કાનપુર દ્વારા સંયુક્ત પ્રયાસ
AI અને રિયલ-ટાઇમ ડેટાથી હોટસ્પોટ્સની થશે ઓળખ
સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી પ્રદૂષણ સામે જંગ
રસ્તાઓ પર દોડશે હાઇટેક મોબાઇલ લેબ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને IIT કાનપુરના સંયુક્ત ઉપક્રમે દેશમાં પ્રથમ વખત ‘સ્માર્ટ સેન્સિંગ એન્ડ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ’ હેઠળ હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં વાયુ પ્રદૂષણના નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજી આધારિત એક નવી પહેલ કરવામાં આવી છે. આ મોબાઇલ લેબોરેટરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રદૂષણના વાસ્તવિક કારણોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે. વાહનોનો ધુમાડો, બાંધકામ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને રોડની ધૂળ જેવા પ્રદૂષકોની રિયલ-ટાઇમ ઓળખ થવાથી સ્થાનિક સ્તરે વધુ અસરકારક પગલા લઈ શકાશે.
પરંપરાગત પદ્ધતિથી પ્રદૂષણનો ડેટા મેળવવામાં આશરે છ મહિના જેટલો સમય લાગતો હતો, જ્યારે આ લેબોરેટરીથી તે માહિતી માત્ર 15 દિવસમાં જ મળી જશે. સમગ્ર શહેરમાં સ્થાપિત લો-કોસ્ટ સેન્સર્સમાંથી મળતા ડેટાનું આ સિસ્ટમ AI મોડેલ દ્વારા વિશ્લેષણ કરશે. ખાસ કરીને ઔદ્યોગિક અને વધુ પ્રદૂષિત વિસ્તારોમાં આ ટેકનોલોજીથી પ્રદૂષણના સ્ત્રોતોનું સચોટ નિદાન શક્ય બનશે.
આ પ્રોજેક્ટ હેઠળ ૭૨ કલાક પહેલાં જ હવાની ગુણવત્તાનું પૂર્વાનુમાન કરતી AI સિસ્ટમ પણ તૈયાર કરાઈ છે. આ ડેટા નેટવર્ક સ્માર્ટ સિટીના ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ સાથે જોડાયેલું રહેશે, જેથી સમયસર અગમચેતીના પગલાં લઈ શકાય. સચોટ માહિતીના આધારે લેવાનારા આ પગલાં શહેરની હવાની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક સાબિત થશે.
