રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમના પ્રતીકનો દિવસ માનવામાં આવે છે, ત્યારે અમરેલી જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી રીતે આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે શ્રાવણી પૂર્ણિમાના દિવસે આવતા રક્ષાબંધનના તહેવારની ભાઈ અને બહેન ઉત્સાહભેર ઉજવણી કરે છે. જોકે આ વર્ષે કોરોનાના કાળરૂપી સમય વચ્ચે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, ત્યારે અમરેલી જિલ્લા વન વિભાગ દ્વારા રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પર્યાવરણની રક્ષા કરતાં એવા વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી. વૃક્ષોની જાળવળી પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વન વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રસંગે અમરેલી વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બાલભવનના વિદ્યાર્થીઓ સહિત વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો અમરેલીની એમ્પલ વિંગ એક્ટિવ એકેડેમી તેમજ બોલબાલા ટ્રસ્ટના ભાઈ-બહેનોએ માનવ મંદિર ખાતે દિવ્યાંગ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. હાલ કોરોનાના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી દિવ્યાંગ બહેનોને માસ્કનું વિતરણ કરાયું હતું. ઉપરાંત સંગીત સાથે ડાન્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમ્પલ વિંગ એક્ટિવ એકેડેમીના સભ્યોએ દિવ્યાંગ બહેનોના જીવનમાં નવો ઉજાસ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
અમરેલી : વન વિભાગ અને સામાજિક સંસ્થાએ કરી રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી, જુઓ કેવો રહ્યો માહોલ..!
New Update