અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં બુધવારી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નવો આદેશ ન થાય ત્યાં સુધી બજાર બંધ રાખવા નગરપાલિકા દ્વારા માઈકના માધ્યમથી વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. તો સાથે જ સાવરકુંડલાના નદી બજારમાં ભરાતા શનિવારી બજારને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બાબરા તાલુકામાં સપ્તાહના દર બુધવારે ભરાતા બુધવારી બજારને તંત્ર દ્વારા બંધ રાખવાના આદેશ અપાયા છે. બુધવારી બજારમાં તમામ ઘરેલુ ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે મળતી હોવાથી લોકો અહી મોટી સંખ્યામાં આવે છે. જોકે આ બજારને ગરીબોનું બિગ બજાર પણ કહેવામાં આવે છે, ત્યારે બુધવારી બજાર બંધ થતાં ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, બાબરા નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા દ્વારા બુધવારી બજારમાં માઈક ફેરવી સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી બજાર સંદતર બંધ રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
સમગ્ર રાજયમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે બજારમાં લોકોની ભીડ ભેગી ન થાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સ્વૈચ્છીક લોકડાઉન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સાવરકુંડલાના નદી બજારમાં ભરાતા શનિવારી બજારને પણ બંધ રાખવા માટે પાલિકા તંત્ર આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે, ત્યારે શનિવારી બજાર બંધ રાખવા માટે ચીફ ઓફિસર દ્વારા લોકોને જણાવાયું છે. જોકે આગામી તા. 30મી એપ્રિલ સુધી શનિવારી બજાર પર પ્રતિબંધ લગાવાયો છે.