/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/13134344/maxresdefault-151.jpg)
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જના ગઢિયા ગામે થોડા દિવસ અગાઉ 2 જેટલા સિંહોની પાછળ ક્રૂરતા પૂર્વક બાઇક દોડાવી પજવણી કરવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો, ત્યારે વન વિભાગ દ્વારા સિંહ પજવણી કરનાર 2 શખ્સોની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબનો ગુન્હો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં છે. જોકે બન્ને પૈકી એક આરોપી સગીર વયનો હોવાથી અન્ય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે જામીન નામંજૂર કરી તેને જેલ હવાલે કર્યો હતો.
અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં અવાર નવાર સિંહોની પાછળ વાહનો દોડાવી પજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે 2 સિંહોની પાછળ ક્રૂરતા પૂર્વક બાઇક દોડાવી સિંહોની પજવણી કરવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. જોકે આ વિડિયો ખાંભા તાલુકાના તુલશીશ્યામ રેન્જના ગઢીયા વિસ્તારનો હોવાનું સામે આવતા વનવિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સિંહોની પજવણી કરનાર શખ્સોની તપાસ હાથ ધરતા ગઢીયા ગામેથી 30 વર્ષીય યુનુશ ભિખુશા પઠાણ સહિત અન્ય એક બાળ કિશોરને વનવિભાગે ઝડપી પાડ્યા હતા.
વન વિભાગે બન્ને શખ્સો વિરુદ્ધ શિકારની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે બન્ને આરોપીઓ પૈકી એક આરોપી સગીર વયનો હોવાથી અન્ય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે યુનુશ પઠાણના જામીન નામંજૂર કરી તેને જેલ હવાલે કર્યો હતો, ત્યારે ગુજરાતના ગૌરવ સમાન એવા સિંહને લોકો વારંવાર પરેશાન ન કરે તે માટે વનવિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.