આણંદ : ચારુસેટ યુનિવર્સિટીની શિક્ષણ યાત્રા યથાવત, વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઈન પરીક્ષાઓ યોજાઈ

New Update
આણંદ : ચારુસેટ યુનિવર્સિટીની શિક્ષણ યાત્રા યથાવત, વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઈન પરીક્ષાઓ યોજાઈ

કોરોનાના કપરા કાળમાં આણંદ જિલ્લાના ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ની શિક્ષણ યાત્રા સતત યથાવત રહી છે. ચારુસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અભ્યાસ અને ઓનલાઈન પરીક્ષાઓ નિયમિત અને સમયસર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાના કારણે ઓફલાઇન સ્ટડી કે, પરીક્ષા અશક્ય હોવાથી ઓનલાઈન અભ્યાસ પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ ઓનલાઈન પરીક્ષાઓ જ યોજવામાં આવે છે.

ચારુસેટ યુનિવર્સિટી દ્વારા વર્ષોથી દર વર્ષે એપ્રિલથી સ્નાતક/અનુસ્નાતક વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવે છે, અને તેનું પરિણામ મે માસના મધ્ય ભાગમાં આપવામાં આવતું હોય છે જે અવિરતપણે ચાલુ છે. ગયા વર્ષે અને આ વર્ષે પણ જ્યારે કોરોનાનો હાહાકાર મચેલો છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ વહેલી તકે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓનલાઈન પરીક્ષાઓનું આયોજન કર્યું છે. જેથી યુનિવર્સિટી પોતાનું એકેડેમીક કેલેન્ડર જાળવી શકે. આથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મે માસમાં સ્નાતક અને અનુસ્નાતકની માર્કશીટ અને પ્રોવિઝનલ ડિગ્રી મળી જાય છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી વહેલી તકે આગળ ધપાવી શકે છે.

જેમ કે, વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અથવા વિદેશ અભ્યાસ માટે જવું હોય તો સમય બગાડ્યા વગર સપ્ટેમ્બર ઇન્ટેકમાં એડમિશન લઈ શકે છે, જે યુનિવર્સિટી દ્વારા સમયસર માર્કશીટ આપવાથી શક્ય બને છે અને વિદ્યાર્થીઓ પોતાનો કીમતી સમય બચાવી શકે છે. આ જ રીતે વિદ્યાર્થીઓને પોતાની આગળની કારકિર્દી શરૂ કરવી હોય તો વેળાસર પોતાના ગમતા ફિલ્ડમાં જોબ શરૂ કરી શકે છે. આ માટે ચારુસેટના વિદ્યાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓ દ્વારા પ્રાથમિક્તા આપવામાં આવે છે. કારણ કે, ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક નિપુણતાની સાથે સર્વાગી વિકાસ થયો હોવાથી આજે આવા કપરા સમયમાં પણ આ શિક્ષણ યાત્રા યથાવત રાખવામાં આવી છે.

Latest Stories