-
અંકલેશ્વરમાં તાડફળીનું ભરપૂર ઉત્પાદન
-
વર્ષોજુના તાડવૃક્ષ પર આવે છે તાડફળી
-
ઉનાળાની ઋતુમાં માંગમાં વધારો
-
ખેડૂતો મેળવી રહ્યા છે સારી આવક
-
અન્ય જિલ્લાના વેપારીઓ આવે છે ખરીદવા
અંકલેશ્વર: વર્ષો પહેલા ઉગેલા તાડના વૃક્ષ પર તાડફળીનું ભરપૂર ઉત્પાદન, ઉનાળામાં પાણીદાર ફળની માંગમાં વધારો
અહીંની તાડફળી ભરૂચ,સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી સમાચાર
અંકલેશ્વરના જુના દિવા ગામ ખાતે વર્ષો જુના તાડના ઝાડ ઉનાળામાં ખેડૂતો માટે તાડફળી આવકનું મહત્વપૂર્ણ સાધન બની છે.અહીંની તાડફળી ભરૂચ,સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી
ક્યારેક કુદરત જ ખેડૂત માટે એવી ભેટ આપી જાય છે કે જ્યાં ઓછા ખર્ચે વધારે આવકનો રસ્તો ખુલી જાય.અંકલેશ્વર તાલુકાના જુનાદીવા ગામમાં તાડના વૃક્ષો આજે એવી જ કુદરતી સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. અહીં તાડની ખેતી કોઈ યોજનાબદ્ધ વાવેતરથી નહીં, પરંતુ કુદરતી રીતે ઊગેલા ઝાડોથી વિકસીને ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની છે.ગામની સીમમાં અસંખ્ય તાડના વૃક્ષો જોવા મળે છે. વર્ષો પહેલા ઉગેલા આ વૃક્ષો આજે ઉનાળાની ઋતુમાં ભરપૂર ઉત્પાદન આપી રહ્યા છે. હાલ તાડફળીની સીઝન શરૂ થતા રોજના સરેરાશ ૫ હજારથી વધુ તાડફળીઓ ઉતારવામાં આવી રહી છે. જે સીધી બજારમાં પહોંચે છે.તાડના ઊંચા અને જોખમી વૃક્ષો પરથી ફળ ઉતારવાનું કામ સરળ નથી. અનુભવી કારીગરોને રોજના અંદાજે ૧ હજાર રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે જ્યારે કટીંગ અને પ્રક્રિયા માટે વધારાનો ખર્ચ થાય છે. છતાં ઓછા રોકાણ અને કુદરતી ઉત્પાદનના કારણે ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે.
હાલ તાડફળીનો હોલસેલ ભાવ ૧૦૦ નંગ દીઠ આશરે ૪૦૦ રૂપિયા છે. શહેરમાં રિટેલ વેચાણ દરમિયાન એક તાડફળી ૧૦ રૂપિયાથી લઈને ચાર તાડફળી ૫૦ રૂપિયામાં વેચાતી જોવા મળે છે.ભરૂચ સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી.તાડફળી માત્ર આવકનું સાધન નથી પરંતુ આરોગ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે. ગરમીમાં શરીરને ઠંડક આપતી, પાણીની ઉણપ દૂર કરતી અને પાચનક્રિયા સુધારતી તાડફળી ઉનાળાનું “અમૃતફળ” ગણાય છે. વધતી ગરમી વચ્ચે લોકો તાડફળી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જેના કારણે માંગ સતત વધી રહી છે.
