અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ એક હોટલ પાસે સામાન ભરેલ ઇકો કાર પાર્ક કરી હતી. વાહન ચોર સામાન સાથે ઇકો કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાવવામાં આવી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા સંદીપ પટેલ પોતાની ઇકો કારમાં બે વેલ્ડિંગ મશીન , બે ગ્રાઈન્ડર મશીન એક ટુલ બોક્સ ભરી અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કંપનીમાં કામ અર્થે આવ્યા હતા ,જો કે તેઓને મોડું થતા પ્રતિન ચોકડી પાસે આવેલ એક હોટલ પાસે ઇકો કાર પાર્ક કરી હોટલમાં રોકાયા હતા. સવારે ઉઠીને જોતા સામાન ભરેલ ઇકો કાર નજરે ન પડતા તેમણે શોધખોર કરી નજીકની દુકાનના સીસીટીવી ચેક કરતા એક શખ્સ ઇકો કારની ચોરી કરી લઇ જતો કેદ થયો હતો ,સંદીપ પટેલેઆ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે 3 લાખની ઇકો કાર ,વેલ્ડિંગ મશીન અને ગ્રાઈન્ડર મશીન તેમજ ટુલ બોક્સ મળી કુલ 3 લાખ 65 હજારના મુદ્દામાલની ચોરી અંગેનો ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.