સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જે યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી, તેની હત્યા બીજું કોઈ નહીં પણ તેના પોતાના જ ત્રણ જીગરી મિત્રોએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરતના ડિંડોલીના રાજમહેલ મોલના પ્રથમ માળે આવેલી એક અવાવરુ જગ્યામાંથી ગત 11 જુલાઈના રોજ અજય દુબે નામના યુવકનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. મોલમાંથી લાશ મળતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને ડિંડોલી પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ અંધારી મર્ડર મિસ્ટ્રીને સુલઝાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ, એટલે કે બાતમીદારોની મદદ લીધી હતી. અને જોતજોતામાં પોલીસે કાવતરું ઘડીને હત્યા કરનારા ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે પૂછપરછ શરૂ થઈ, ત્યારે જે ખુલાસો થયો તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રાજ દુબે અને આ ત્રણેય આરોપીઓ વચ્ચે પૈસાની લેતીદેતીને લઈને મોટો ઝઘડો ચાલતો હતો. આ જ અદાવત રાખીને મિત્રોએ રાજને રસ્તામાંથી હટાવવાનું ખતરનાક કાવતરું ઘડ્યું હતું. આરોપી જયેશે તો હત્યા કરવા માટે અગાઉથી જ ઓનલાઈન ચપ્પુ મંગાવી રાખ્યું હતું! 10 જુલાઈની રાત્રે પ્લાન મુજબ રાજ દુબેને ફોન કરીને રાજમહેલ મોલના પહેલા માળે આવેલી અવાવરુ જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો.રાજ ત્યાં પહોંચ્યો કે તરત જ ત્રણેય મિત્રોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા અને કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાંથી પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી એક રીઢો ગુનેગાર છે, અને તેની સામે ભૂતકાળમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે ત્રણેય હત્યારા મિત્રોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
