છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી હતી, પરંતુ હવે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માત્ર એક જ અઠવાડિયામાં ચાંદીના વાયદાના ભાવમાં પ્રતિ કિલોએ ₹14,000 થી વધુનો ઘટાડો થયો છે. આ સાથે જ સોનું પણ ખાસ્સું સસ્તું થયું છે, જેથી ખરીદી કરવાનું વિચારતા લોકો માટે આ સારો સમય સાબિત થઈ શકે છે.
MCX પર ચાંદીના ભાવમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે તેમાં થોડો સુધારો હતો, પણ ઓવરઓલ ઘટાડો મોટો છે. આંકડાઓ પર નજર કરીએ તો, 3 જુલાઈના રોજ 1 કિલો ચાંદીનો ભાવ ₹237,410 પર બંધ થયો હતો, જે ગયા શુક્રવારે ઘટીને ₹222,680 થઈ ગયો હતો. આ ગણતરી મુજબ, માત્ર થોડા જ દિવસોમાં ચાંદી પ્રતિ કિલોએ ₹14,730 જેટલી સસ્તી થઈ ગઈ છે.
વાયદા બજારમાં માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. 3 જુલાઈએ MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹147,378 ની સપાટીએ બંધ થયો હતો, જે ગયા શુક્રવારે ઘટીને ₹143,480 પર આવી ગયો હતો. આમ, છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ₹3,898 નો સ્પષ્ટ ઘટાડો નોંધાયો છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે, આ વર્ષની શરૂઆતમાં (જાન્યુઆરીમાં) સોના અને ચાંદીના ભાવ તેમના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. તે સમયે MCX પર ચાંદી પહેલીવાર ₹4 લાખને પાર કરીને લગભગ ₹4.20 લાખ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે 10 ગ્રામ સોનાનો વાયદો પણ ₹2.02 લાખની સપાટીને સ્પર્શી ગયો હતો. આ રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદ હવે બંને ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
