અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.ત્યારે રિક્ષાચાલકો બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે મેદાનમાં ઉતરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા-મોટા ખાડા અને બાજુમાં ગટર લાઈન માટે કરવામાં આવેલા અર્ધકચરા ખોદકામને કારણે વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. રિક્ષાચાલકો અને સ્થાનિક લોકોના વિરોધ બાદ હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. સ્થાનિકો દ્વારા યોજાનાર આંદોલનમાં હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મુસાફરી કોઈ આફતથી ઓછી નથી. માર્ગ પર ચોતરફ ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તેમાં પણ ગટર લાઈનની કામગીરી માટે રસ્તાની બાજુમાં કરવામાં આવેલા ખોદકામે લોકોની મુશ્કેલીમાં બમણો વધારો કર્યો છે.અને અકસ્માતના જોખમને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખરાબ રસ્તાના કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરીને તાજેતરમાં જ સ્થાનિક રિક્ષાચાલકોએ વિરોધ દર્શાવ્યો હતો. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કામગીરી ન થતાં હવે રોષે ભરાયેલા ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
આ લોકપ્રશ્નને લઈને હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. ગડખોલ ગામના આ બિસ્માર રસ્તાના મુદ્દે યોજાનાર આંદોલનમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે.આપના મુખ્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાઈને વિરોધ પ્રદર્શન કરી વહેલી તકે માર્ગનું સમારકામ કરવા માટે માંગ કરી હતી.
