અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગથી સારંગપુર ચોકડી તરફ એમ.એસ.ના નાના-મોટા ટુકડા ભરીને એક બોલેરો પીકઅપ પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી ખાતે પંચોને સાથે રાખીને વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબની GJ-06-VV-8196 નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
વાહનના પાછળના ભાગમાં એમ.એસ.ના નાના-મોટા ટુકડા ભરેલા મળી આવ્યા હતા.પોલીસે વાહનચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સૈફ્યુદ્દીન અબ્દુલ કાદીર ચૌધરી (ઉંમર 37 વર્ષ) હોવાનું જણાવ્યું હતું. તે અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતો હોવાનું અને મૂળ ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.વાહનમાં ભરેલા સ્ક્રેપ અંગે આધાર-પુરાવા માંગવામાં આવતાં વાહનચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે 670 કિલો સ્ક્રેપ અને પીકઅપ મળી કુલ રૂપિયા 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
