અંકલેશ્વર નગરપાલિકાનો પ્રોજેકટ
મૃત પશુઓના અંતિમ સંસ્કારનો પ્રોજેકટ
એક વર્ષથી પ્રોજેકટ અધૂરો
માળખું ધૂળ ખાઈ રહ્યું છે
વિપક્ષના શાસકો ઓર પ્રહાર
અંકલેશ્વરમાં રૂ. 80 લાખના ખર્ચે તૈયાર એનિમલ બર્નર મશીનનું ધૂળ ખાઈ રહ્યું છે.એક વર્ષથી પ્રોજેક્ટ શરૂ થવાની રાહ જોવાય રહી છે ત્યારે પશુઓના મૃતદેહ ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવતા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ નજીક મૃત ગાય સહિત અન્ય પશુઓના અંતિમ નિકાલ માટે વસાવવામાં આવેલું એનિમલ બર્નર મશીન છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ. 80 લાખના ખર્ચે પ્રોજેક્ટ માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી તેની કામગીરી શરૂ થઈ શકી નથી.મૃત્યુ પામેલાં ગાય સહિત અન્ય પશુઓના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે આ મશીન વસાવવામાં આવ્યું હતું. જોકે, પ્રોજેક્ટ શરૂ ન થતાં પશુઓના મૃતદેહ ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે વિપક્ષના સદસ્ય જહાંગીર ખાન પઠાણે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો કર્યા છે.
બીજી તરફ, પ્રોજેક્ટ શરૂ થવામાં વિલંબ અંગે નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગેસની લાઇન ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રોજેક્ટમાં અડચણ આવી છે. જોકે, આ સમસ્યાનો ઉકેલ લાવી ટૂંક સમયમાં એનિમલ બર્નર મશીન શરૂ કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.
હવે સવાલ એ છે કે, લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ ક્યારે કાર્યરત થશે? તેમજ પશુઓના મૃતદેહના યોગ્ય નિકાલ માટે નગરપાલિકા દ્વારા ક્યારે નક્કર પગલાં લેવામાં આવશે?રૂ. 80 લાખના ખર્ચે તૈયાર થયેલો પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે, તે જોવું રહ્યું.
