અંકલેશ્વરમાં સોશ્યલ મીડિયા પર ડૉ. બાબા સાહેબ આંબેડકર અંગે અપમાનજનક લખાણ પોસ્ટ કરવાના મામલે એક યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના રોહીતવાસ, રામકુંડ રોડ વિસ્તારમાં રહેતા અને ભરૂચ ખાતે આવેલી એક  હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા રવિન્દ્રકુમાર ઠાકોરભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તેઓ ભરૂચ ખાતે નોકરી દરમિયાન પોતાના મોબાઇલમાં “ભીમોત્સવ આયોજક સમિતિ-૨૦૨૬” નામના વોટ્સએપ ગ્રુપમાં મુકાયેલી પોસ્ટ જોઈ હતી. જેમાં અભી_પરશુવંશી_ટીમ_૨૨૯૯ નામની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી આંબેડકર જયંતી અંગે હિન્દી ભાષામાં અભદ્ર અને લાગણી દુભાય તેવા લખાણ સાથે પોસ્ટ કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ હતુ.
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ પોસ્ટ દ્વારા અમારા સમાજ તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકરને માનનારા લોકોની લાગણી દુભાઈ છે તેમજ જુદી જુદી જાતિઓ વચ્ચે દ્વેષ અને દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે જાહેર સુલેહ-શાંતિ ભંગ થવાની શક્યતા ઉભી થઈ હતી.પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ અભિષેક પંડિત હોવાનુ જાણવા મળતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી હતી.પોલીસે ફરિયાદના આધારે અભિષેક પંડિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે