અંકલેશ્વરના ગડખોલનો બનાવ

અયપ્પા મંદિર નજીક પાણી ભરાયા

નહેર ઓવરફ્લો થતા સમસ્યા

વાહનચાલકોને હાલાકી

હજારો લીટર પાણી વેડફાયુ 

અંકલેશ્વરના ગડખોલના અયપ્પા મંદિર નજીક ઉકાઈ જમણાકાંઠા કેનાલ ઓવરફ્લો થતા માર્ગ પર પાણી જ પાણી નજરે પડ્યું હતું જેના કારણે વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

રાજ્યના અનેક જિલ્લાઓમાં અપૂરતા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે અંકલેશ્વરમાં ઉકાઈ જમણા કાંઠાની નહેર ઓવરફ્લો થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ગડખોલ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં આસપાસના માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું.નહેરમાંથી હજારો લીટર પાણી વહી જતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.તાજેતરમાં જ માર્ગના સમારકામની કામગીરી પણ ચાલી રહી છે જ્યાં ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાય ગયું હતું. નહેર ઓવરફ્લોના કારણે પાણીનો મોટો જથ્થો વેડફાયો હોવાની સ્થિતિ સર્જાઈ હતી.નહેર અધિકારી રાજેશ લાડના જણાવ્યા અનુસાર, ગણેશ વિસર્જનના કારણે નાળું જામ થઈ જતાં પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હતો. પરિણામે નહેરનું પાણી ઓવરફ્લો થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉપરવાસમાંથી આવતું પાણી કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ નિયંત્રિત કરી પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.હાલ માર્ગ પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.