ભરૂચના જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં વધુ એક ગાય ખુલ્લી ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.જંબુસર શહેરમાં ખુલ્લી ગટરોની સમસ્યા યથાવત રહેતાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

ખુલ્લી ગટરોના કારણે માત્ર પશુઓ જ નહીં, પરંતુ રાહદારીઓ અને વાહનચાલકો માટે પણ અકસ્માતનો ભય સતત યથાવત રહ્યો છે.સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં શહેરની તમામ ખુલ્લી ગટરોને તાત્કાલિક ઢાંકવાની અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.