દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહારથી મળી આવેલ જિલેટીન ભરેલી સ્કોર્પિયો કારના કેસમાં હવે એટીએસ અને એનઆઈએ દ્વારા માઈક્રો તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને મનસુખ હિરેનના મોત બાદ તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. સચિન વાઝે સહિત 5 લોકોએ જે સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તે અમદાવાદથી ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે એના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી છે. તે હાલ સિમકાર્ડ વેચનાર સુધી પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
હત્યાકેસમાં જે બે આરોપીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ઘોરે પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા. પાંચ પૈકી એક સિમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા.
મુંબઈ એટીએસએ વધુ પુરાવા મેળવવા માટે અમદાવાદમાં આવી તપાસનો દૌર આગળ વધાર્યો છે. જે પાંચ વ્યક્તિનાં નામે અમદાવાદથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યાં તેઓ કોણ છે, તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે?, સિમકાર્ડ વેચનાર દુકાનદારે સિમકાર્ડ એક્ટિવ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં, એ મામલે તપાસ કરવા એટીએસ અમદાવાદ આવી છે.
એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’