/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/22181733/maxresdefault-282.jpg)
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારોના ફોર્મ રદ્દ થતાં મહિલાઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. તો સાથે જ મહિલાઓ અને કોંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લીમાં આંગણવાડીની ભરતીના ફોર્મ ભરનાર મહિલાઓના ફોર્મમાં સ્ટેમ્પમાં વિસંગતતા અને પ્રમાણપત્રો અપલોડ કરવા સહિતના કારણો થકી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જોકે ઓનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોને મંગળવારના રોજ અરજીના અનુસંધાને સમાધાન કરવા માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઉમેદવારોએ ફોર્મ રદ્દ થવા અંગે અધિકારીઓને જરૂરી કારણો પણ પૂછ્યા હતા.
સમગ્ર મામલે જિલ્લા પંચાયતના અધિકારીઓએ કેટલાક ઉમેદવારોની ભૂલ હોવા અંગે કોરા કાગળ પર હસ્તાક્ષર કરાવી લીધા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. તો સાથે કેટલાક ઉમેદવારોના પ્રશ્નો સાંભળવામાં ન આવતા જિલ્લા પંચાયત પહોંચેલા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે હોબાળો વધતા અધિકારીઓ સભાખંડ છોડી ચાલ્યા ગયા હતા, ત્યારે નાયબ ડીડીઓમી ચેમ્બર બહાર મહિલાઓ અને કોંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી હતી.