દિવ્યાંગજનોને વધુ સુલભ, ગતિશીલ અને સ્વાવલંબી જીવન તરફ આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે 30 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ-વસ્ત્રાપુરના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લા શાખાની નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સેવાકીય કાર્યક્રમમાં 30 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ લાભાર્થીઓની પ્રાથમિક માપણી તા. 15 જૂન, 2026’ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લાભાર્થીઓ માટે કૃત્રિમ પગ તૈયાર કરવામાં આવ્યા હતા. કૃત્રિમ પગ પ્રાપ્ત થવાથી લાભાર્થીઓને તેમની દૈનિક પ્રવૃત્તિઓ વધુ સરળતાથી કરવામાં, ગતિશીલતા વધારવામાં અને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદ મળી છે. આ પ્રસંગે ભરૂચ-નર્મદા જિલ્લા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, ઉપપ્રમુખ નૈયુંમ બાપુ, પ્રોજેક્ટ મેનેજર ભરત જોશી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.