અરવલ્લી : ભિલોડાના લીલીછા ગામે લગ્નના રંગમાં પડયો ભંગ, નિયમોનું ઉલ્લંઘન થતાં પોલીસની કાર્યવાહી

અરવલ્લી : ભિલોડાના લીલીછા ગામે લગ્નના રંગમાં પડયો ભંગ, નિયમોનું ઉલ્લંઘન થતાં પોલીસની કાર્યવાહી
New Update

રાજયમાં એક તરફ ભાજપના નેતાઓ તેમના સંતાનોના ધામધુમથી લગ્ન કરી લોકોની ભીડ ભેગી કરી રહયાં છે તો બીજી તરફ સામાન્ય નાગરિકોના લગ્નપ્રસંગોમાં નિયમોના ભંગના નામે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. અરવલ્લી જિલ્લાના લીલછા ગામે લગ્નમાં કોવીડની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતાં પોલીસે લગ્નના આયોજકો તથા ડીજેના સંચાલકો સામે કાર્યવાહી કરી છે.

ગુજરાતમાં કોરોનાની બીજી અને ઘાતક લહેર ચાલી રહી છે અને તેવામાં લગ્નસરાની મોસમ પણ આવી છે. લગ્નમાં ભીડ એકત્ર ન થાય તે માટે સરકારે માત્ર 50 લોકોને લગ્નમાં હાજર રાખવા માટે મંજુરી આપી છે. સરકારના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. હવે આ વિડીયો જુઓ. આ વિડીયો અમરેલીના ભાજપના નેતા અશ્વિન સાવલિયાના ઘરે યોજાયેલાં લગ્નપ્રસંગનો છે. આ લગ્નમાં 50 કરતાં વધારે લોકોની હાજરી જણાય રહી છે. અહીં કોવીડની ગાઇડલાઇનનો ભંગ થયો હોવા છતાં અશ્વિન સાવલિયા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ભાજપના નેતાઓના ઘરે યોજાતાં પ્રસંગોમાં જનમેદની ઉમટી પડતી હોય તેવા અનેક વિડીયો અત્યાર સુધીમાં બહાર આવી ચુકયાં છે. ભાજપના નેતાઓના પ્રસંગો ઉજવાય જાય છે પણ સામાન્ય નાગરિકોના લગ્નપ્રસંગોમાં પોલીસની એન્ટ્રી થઇ રહી છે. આવો જ કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. ભિલોડાના લીલછા ગામે લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ડીજેના તાલે જાનૈયાઓ નાચી રહયાં હતાં તેવામાં પોલીસ આવી હતી. વરઘોડો કાઢવા માટેની પરવાનગી નહિ હોવાથી પોલીસે ટેમ્પો અને ડીજે કબજે કરી લીધાં હતાં તેમજ વરરાજા, વરરાજાના પિતા સહિત ચાર લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે. લગ્ન પ્રસંગોમાં ભાજપના નેતાઓ અને સામાન્ય નાગરિકો પ્રત્યે બેવડા વલણના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. નિયમો દરેક માટે સરખા હોવા જોઇએ તેવી લોકોની માંગણી અને લાગણી છે.

#Covid 19 #Arvalli News #Arvalli Police #Connect Gujarat News #Corona guidelines
Here are a few more articles:
Read the Next Article