/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/18122652/maxresdefault-221.jpg)
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ચણાના વાવેતરમાં મોટું નુકશાન થવા પામ્યું છે. ચણાના પાકમાં ઇયળોના ઉપદ્રવથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.
ગુજરાત રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે જગતના તાતને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં કમોસમી વરસાદથી ચણાના પાકમાં ઇયળોનો ઉયદ્રવ જોવા મળ્યો છે.
મેઘરજ તાલુકામાં ચોમાસુ સિજનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેથી તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોએ ઓછા પીયતે ચણાના પાકનું વાવેતર કર્યું હતું. ઉપરાંત આ વર્ષે શિયાળુ પાકમાં ચણાનું વાવેતર વધુ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદ અને સતત 3 દિવસ સુધી રહેલા ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણના કારણે ચણાના પાકમાં લશ્કરી અને લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે.
જોકે, કમોસમી વરસાદના કારણે ચણાના છોડ સુકાવા લાગ્યા છે અને પાક નષ્ટ થવાના આરે આવ્યો છે, ત્યારે મેઘરજ તાલુકાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. તો સાથે જ અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવા અપીલ કરાઇ છે.