દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાને આ અવસરે ખેડુતોને સંબોધિત કર્યા હતાં પણ તેમના નિશાના પર મમતા બેનર્જી રહયાં હતાં કારણ કે આગામી દિવસોમાં બંગાળમાં વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે.
નવા કૃષિ કાયદાઓ સંદર્ભમાં ચાલી રહેલાં આંદોલન બાદ ભાજપ ખેડુતોને રીઝવવવા માટે ધમપછાડા કરી રહયાં છે. થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદ્વારામાં માથુ ટેકવ્યું હતું અને હવે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કરેલાં ભાષણમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકારા પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બંગાળમાં જે લોકો ખેડૂતોને ફાયદો આપવા દેતા નથી, તે દિલ્હી આવીને ખેડૂતોની વાત કરે છે. આ સિવાય તેમણે કહ્યું કે નવા કાયદા પછી ખેડૂત જ્યાં ઈચ્છશે અને જ્યાં તેમને યોગ્ય ભાવ મળે, ત્યાં પોતાના પાકને વેચી શકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂતને લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.