દિવાળી પહેલા જોય ઓફ ગિવિંગ અભિયાન
જરૂરિયાતમંદોને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરાશે
ભારત વિકાસ પરિષદ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત અભિયાન
જૂની ઉપયોગી વસ્તુઓ દાન કરવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી
દાનકર્તાઓને કાપડની થેલી અને પક્ષીનો માળો ભેટ આપવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દિવાળીના તહેવાર પૂર્વે જરૂરિયાતમંદોને મદદ અને પર્યાવરણ જતન માટે ‘જોય ઓફ ગિવિંગ’ અભિયાનનો પ્રારંભ કરાયો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દિવાળીના તહેવાર પૂર્વે જરૂરિયાતમંદોને મદદ અને પર્યાવરણ જતન માટે ‘જોય ઓફ ગિવિંગ’ અભિયાનનો પ્રારંભ કરાયો છે. ભારત વિકાસ પરિષદ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ અભિયાનનો પ્રારંભ મહાવીરનગર ચાર રસ્તા ખાતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા અને અગ્રણીઓની હાજરીમાં નાગરિકોને પોતાની જૂની ઉપયોગી વસ્તુઓ દાન કરવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી છે.
RRR સેન્ટર પર સ્વીકારાશે દાન અભિયાન અંતર્ગત 9, 10 અને 11 ઓક્ટોબર, 2026 દરમિયાન દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી અહિંસા સર્કલ પાસે આવેલ RRR સેન્ટર ખાતે વસ્તુઓ એકત્રિત કરવામાં આવશે. દાનમાં કપડા, ગરમ વસ્ત્રો, ચાદર, ધાબળા, વાસણો, બાળકોની સ્ટેશનરી, રમકડાં તેમજ વૃદ્ધો અને દિવ્યાંગો માટે વોકિંગ સ્ટિક, વોકર અને વ્હીલચેર જેવી વસ્તુઓ સ્વીકારી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.
દાનકર્તાઓ પર્યાવરણલક્ષી ભેટ,બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક કચરો પણ અહીં જમા કરાવી શકશે, જેનો નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા પ્રોત્સાહિત કરવા માટે દાન આપનાર દરેક નાગરિકને કાપડની થેલી અને પક્ષીનો માળો ભેટ તરીકે આપવામાં આવશે. આ માનવસેવા અને પર્યાવરણ જતનના કાર્યમાં હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ પણ સહયોગી સંસ્થા તરીકે જોડાઈ છે.
