કેસરિયા 4.0 પ્રિ-નવરાત્રી કરાયુ હતું આયોજન
લોક ગાયિકા ગીતા રબારીના ગરબાએ ધમાલ મચાવી
ગીતા રબારીને સાંભળવા ઉમટી જનમેદની
આયોજન કરતા વધુ જનમેદની ઉમટતા અરાજકતા સર્જાય
બેકાબુ ભીડથી બેરિકેટ્સ પણ તૂટતા નાસભાગ મચી
સુરતમાં આયોજિત ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રી ઉત્સવમાં લોકપ્રિય ગાયિકા ગીતા રબારીના સૂર અને પરંપરાગત લુકે ખેલૈયાઓનું દિલ જીતી લીધું હતું.જોકે આયોજન કરતા વધુ ભીડ ઉમટી પડતા બેરિકેટ્સ તૂટ્યા હતા અને અરાજકતા સર્જાય ગઈ હતી.
સુરતમાં આયોજિત ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રી ઉત્સવમાં લોકપ્રિય ગાયિકા ગીતા રબારીના સૂર અને પરંપરાગત લુકે ખેલૈયાઓનું દિલ જીતી લીધું હતું. કચ્છી ભરતકામવાળી સુંદર ચણિયાચોળીમાં સજ્જ થઈને ગીતા રબારીએ સ્ટેજ પરથી ‘રસિયો રૂપાળો રંગ રેલિયો…’ જેવા લોકપ્રિય ગરબા ગાઈને મોડી રાત સુધી યુવાનોને ઝૂમાવ્યા હતા. જોકે, ગાયિકાની એક ઝલક મેળવવા અને ગરબા રમવા માટે ડોમની ક્ષમતા કરતા પણ ઘણી મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતાં પરિસ્થિતિ ગણતરીની મિનિટોમાં આયોજકોના હાથમાંથી બહાર નીકળી ગઈ હતી.
પ્રવેશદ્વાર અને અંદર ભારે ધસારાના કારણે અફરાતફરી સર્જાઇ હતી અને પ્રચંડ દબાણને લીધે લોખંડના મજબૂત બેરિકેડ્સ કડડભૂસ થઈને તૂટી પડ્યા હતા. બેરિકેટ તૂટવાને કારણે અનેક ખેલૈયાઓ નીચે પટકાયા હતા, જેમાં એક યુવકનો પગ દબાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને મેદાનમાં ચીસાચીસ મચી ગઈ હતી. એક તરફ સંગીતની રમઝટ ચાલી રહી હતી તો બીજી તરફ અરાજકતાનો માહોલ સર્જાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જનમેદની દ્વારા આયોજકો પર ક્ષમતા કરતા વધુ પાસ વેચવાના અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
