ત્રાપજ-ધારડીના પાટીયા પાસે ગોઝારો અકસ્માત

બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

ત્રાપજ નજીક 5 દિવસમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા

ડાંગના આહવા-વઘઇ રોડ પર ગોઝારો અકસ્માત

નાયબ મામલતદાર સહિત 2 ના મોત

ભાવનગર અને ડાંગ જિલ્લામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા,સર્જાયેલી ઘટનામાં નાયબ મામલતદારનું પણ મોત નીપજ્યું હતું.

ભાવનગર જિલ્લાના ત્રાપજ-ધારડીના પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. અહીં એક ફોરવ્હીલ અને ટુવ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટુ-વ્હીલર પર સવાર દૂધેરી ગામના 40 વર્ષીય ગોવિંદભાઈ ભાલીયા અને 50 વર્ષીય પંકજભાઈ વાસાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે ત્રાપજ નજીક પાંચ જ દિવસ પહેલા અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યાની ગોઝારી ઘટના બની હતી, ત્યારે ફરીથી આવા જ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થતાં સમગ્ર પંથક અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, ડાંગ જિલ્લાના આહવા-વઘઇ રોડ પર પણ વહેલી સવારે એક વધુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એક પૂરઝડપે દોડતી કાર રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં આશરે 35 ફૂટ નીચે ખાબકી હતી.

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર નાયબ મામલતદાર સહિત અન્ય એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી નદીમાં પડેલી ક્ષતિગ્રસ્ત કારને બહાર કાઢી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.