ભરૂચ જિલ્લાકક્ષાના 77માં વન મહોત્સવનું જે.પી.કોલેજ ખાતે આયોજન કરાયું હતું જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચની જે.પી. કોલેજ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ‘એક પેડ મા કે નામ’ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષારોપણના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વન મહોત્સવ નિમિત્તે વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અને હરિયાળું ભરૂચ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.