ભરૂચ : તલાટી મંડળના પ્રમુખ સહીત 8 તલાટીઓ કોરોના સામેની જંગ હાર્યા, પ્રાર્થના સભામાં સાથી કર્મચારીઓની આંખો ભીંજાઇ

New Update
ભરૂચ : તલાટી મંડળના પ્રમુખ સહીત 8 તલાટીઓ કોરોના સામેની જંગ હાર્યા, પ્રાર્થના સભામાં સાથી કર્મચારીઓની આંખો ભીંજાઇ

સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ભયંકર સાબિત થઇ રહી છે, ત્યારે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખડે પગે ફરજ નિભાવી ચૂકેલા કેટલાય સરકારી કર્મચારીઓએ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ દમ તોડ્યો છે. ભરૂચ જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ સહિત 8 તલાટી કમ મંત્રીઓ કોરોના સામેની જંગ હારી ગયા છે, ત્યારે તેઓના પરિવારને આર્થિક સહાય તથા કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ અને તમામ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી લોકોની હાલત કફોડી કરી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સ્થાનિક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સરકારી કર્મચારીઓએ મતદાન મથકો અને મત ગણતરી કેન્દ્રો પર ખડે પગે ફરજ નિભાવી હતી. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલાય સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા સારવાર દરમ્યાન તેઓએ દમ તોડ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાના 8 તલાટી કમ મંત્રીઓએ પણ કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. જેમાં ભરૂચ જીલ્લા પંચાયત કર્મચારી મહામંડળના તથા તલાટી મંડળના જિલ્લા પ્રમુખ ભરત મિશ્રા તથા તાલુકા મંત્રી હિતેન્દ્ર મિસ્ત્રી સહિત આમોદ તાલુકાના વેડચા-મછાસરા ગ્રામ પંચાયતના તલાટી વિક્રમ કટારા, વાગરા તાલુકાના અરગામા ગ્રામ પંચાયતના યુનુસ રાજા, હાંસોટ તાલુકાના કઠોદરા ગ્રામ પંચાયતના મનીષ પટેલ, ભરૂચ તાલુકાના નાંદ-ભરથાણા ગ્રામ પંચાયતના સબાના મન્સુરી, વાલીયા તાલુકાના હોલાકોતર ગ્રામ પંચાયતના રવિલાલ વસાવા, જંબુસર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતના આશિષ કલાસવા, અંકલેશ્વર-ભડકોદ્રા ગ્રામ પંચાયતના હિતેન્દ્ર મિસ્ત્રી સહિત કુલ 8 તલાટી કમ મંત્રીઓએ માત્ર 2 મહીનામાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે, ત્યારે મૃતક કર્મચારીઓની આત્માને પ્રભુ શાંતિ અર્પે તે માટે નંદેલાવ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, ત્યારે પ્રાર્થના સભા દરમ્યાન સાથી કર્મચારીઓની આંખો ભીંજાઇ હતી.

Latest Stories