ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઘરફોડ ચોરી કરવા ઇકો કારની ચોરી કરતી સીકલીગર ગેંગના સાગરિતને ઝડપી પાડયો છે. આરોપીઓએ ભરૂચ શહેર બી ડીવીઝન, સી ડીવીઝન, અંકલેશ્વર સીટી, અંકલેશ્વર જીઆઇડીસી, વાલીયા, નેત્રંગ તથા દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓની કબુલાત કરી છે.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા સક્રિય બની હતી. બાતમીદારો તથા સીસીટીવી ફુટેજના આધારે હાથ ધરાયેલી તપાસમાં પોલીસને બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ઇકો કારની ચોરીના ગુનામાં ભરૂચની પ્રિતમ સોસાયટી પાછળ આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં સતવંતસિંગ ઉર્ફે સંતુ ગુરૂદાસસિંગ ટાંકની સંડોવણી હોવાની ચોકકસ બાતમી મળી હતી. પોલીસે સતવંતસિંગને ઝડપી પાડી તેની આકરી પુછપરછ કરતાં તેણે આજથી દોઢ વર્ષ પહેલાં કોહીનુર સોસાયટીમાંથી ઇકો કાર સહિત અનેક ગુનાઓની કબુલાત કરી હતી. આ ગુનાઓમાં તેના સાગરિત તરીકે અંકલેશ્વરની નવીનગરી ગુરુદ્વારા પાસે રહેતાં જશપાલસિંગ ઉર્ફે જેપીસિંગની સંડોવણી બહાર આવતાં તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. કોહીનુર સોસાયટીમાંથી ચોરાયેલી ઇકો કાર નર્મદા માર્કેટમાંથી બિનવારસી હાલતમાં કબજે લેવામાં આવી છે. આ કારમાં આરોપીઓ દહેજ ખાતે ગયાં હતાં અને ત્યાં ઘરફોડ ચોરી કરી હતી. સીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી પર નજર કરવામાં આવે તો આરોપીઓ દિવસ દરમિયાન ભુંડ પકડવાનું કામ કરતાં હતાં તે વેળા બંધ ઘરની રેકી કરતાં હતાં. બંધ ઘરની રેકી કર્યા બાદ તેઓ ઇકો કારની ચોરી કરતાં હતાં. ઇકો કારમાં બંધ ઘર ખાતે જઇને ચોરી કરતાં અને બાદમાં ઇકો કારને બિનવારસી હાલતમાં છોડીને ફરાર થઇ જતાં હતાં. સીકલીગર ગેંગના સાગરિતને ઝડપી પાડવામાં એલસીબી પીએસઆઇ અનિલ ચૌહાણ, હે.કો સંજયદાન, હિતેશભાઇ, પો.કો. મહિપાલસિંહ, વિશાલભાઇ, નરેશભાઇ તથા સાઇબર ક્રાઇમના મલ્કેશભાઇ તથા સોહેલભાઇના ટીમવર્કથી કરવામાં આવી છે.