ભરૂચમાં દિવાળીના પર્વએ બપોરના સમયે 2 મોટરસાયકલ ચાલકો પૂરઝડપે ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગોલ્ડન બ્રિજની વચ્ચે બન્ને મોટરસાયકલ સામસામે અથડાતા 5 લોકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચના નવજીવન સ્કૂલ નજીક રહેતા મહેન્દ્ર વસાવા અને વિશાલ વસાવા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર તરફથી પૂરઝડપે મોટરસાયકલ પર 3 સવારીમાં સવાર મુગેશ પટેલ, વિશાલ વસાવા અને અક્ષિત વસાવાની મોટરસાયકલ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બન્ને મોટર સાયકલના ચાલકો અને સવારો ગોલ્ડન બ્રિજમાં રોડ ઉપર પટકાયા હતા.
જેમાં ગંભીર રીતે ઘવાયેલા 24 વર્ષીય અક્ષિત કિશન વસાવાનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાન અંતરે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવતા નર્મદા મૈયા બ્રિજ વાહનોથી ધમધમતો થતા જ ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર વિનાનો થયો છે.
જેના કારણે કેટલાય ટુ વ્હીલર વાહનચાલકો પોતાનું વાહન ગોલ્ડન બ્રિજમાંથી પુરપાટ ઝડપે હંકારીને પસાર થતા હોય છે. જેના પગલે અકસ્માતોની ઘટના થઈ રહી છે, ત્યારે નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત હોય તો ગોલ્ડન બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170