ભરૂચના જંબુસરના યુવાનની પસંદગી
સીઆરપીએફમાં પસંદગી થઈ
કપરી ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી
જંબુસરમાં કરવામાં આવ્યું સ્વાગત
મોટી સંખ્યામાં લોકો જોડયા
ભરૂચના જંબુસરના યુવાનની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પસંદગી થતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.આ દરમ્યાન નીકળેલ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
ભરૂચના જંબુસર શહેરના ટંકારી ભાગોળના રહેવાસી અને શૈલેષભાઈ પટેલના પુત્ર પાર્થ પટેલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની કપરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા શહેરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પાર્થ પટેલના સન્માનાર્થે આયોજિત યાત્રાનો પ્રારંભ ટંકારી ભાગોળ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરમાં આશીર્વાદ મેળવી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભવ્ય સન્માન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરતી કાવા ભાગોળ ખાતે પહોંચી હતી.યાત્રા દરમિયાન પાર્થ પટેલને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાઈ-બહેનો, યુવાનો તેમજ નગરજનો ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં દેશભક્તિના નારા અને ‘ભારત માતા કી જય’ના ગુંજતા નાદ વચ્ચે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
એક સામાન્ય પરિવારમાંથી આવતાં પાર્થ પટેલે પોતાની મહેનત અને લગનથી CRPFમાં સ્થાન મેળવી માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ જંબુસર શહેર અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. શહેરના આગેવાનો અને સમાજના આગેવાનોએ પણ પાર્થ પટેલને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
